જાગતી જ્યોત આઈશ્રી જાલુમા

જાગતી જ્યોત આઇશ્રી જાલુમા



     ખાંભાથી મોટીધારીની વચ્ચે ચકોહર નામનો એક ડુંગર, કાઠીયાવાડનો મહામુલો અને પ્રાચિન ઈતિહાસ સંઘરીને ઊભો છે.

      આખા ગાયકવાડ રાજ ને હંફાવનાર વાવડીના વિખ્યાત બહારવટીયા રામ વાળા એ ત્યા બેસણા કરેલા હતા.

      આ ડુંગર ની પડખે જ વિરપુરનામનુ ગામ છે. આ ગામમા આજથી દોઢસો વર્ષ પહેલા ઉનઠ કાળીયા નામના કાઠી ને ખોરડે આઈ જાલુમાનો જન્મ થયો હતો. નાનપણથી જ પ્રભુ પારાયણ જીવન, સતાધારની ગેબી જગ્યા ઊપર આઈને અપાર શ્રધ્ધા, સવાર સાંજ આપા ગીગાના નામની માળા કરે, સુતા બેસતા કે જમતા પહેલા આપા ગીગાના નામનુ સ્મરણ કરે. બચપણથી જ આઈને એવુ નીમ.

 અઢાર વર્ષની ઉંમર થતા આઇને વિરપુરની પડખે જ આવેલ ગામ નાની ધારીના લોમાવાળા નામના કાઠી વેરે પરણાવ્યા. લગ્ન પછી થોડા દિવસે આઈને વિરપુર તેડી આવ્યા અને ચાર છ મહિના વિત્યા હશે એવામા આખા સૌરાષ્ટ્ર પંથકમા મરકી નામના ભયંકર રોગે દેખા દિધા. અને થોડા દિવસે તો આખા પંથકને અજગર ભરડામા લઈ લીધો. ગામે ગામની ગલીઓમા આંગણામા આવી અને એ દાનવે હડીયુ કાઢી, અનેક માણસો એના વાકરાળ પંજામા સપડાયા અને ટપોટપ મરવા લાગ્યા. ગામડે ગામડે હાહાકાર મચી ગયો માણસો નો કચ્ચરઘાણ નીકળી ગયો.


      ગામે ગામના સ્મશાનોમા ચિતાઓ ભડકે બળતી હતી. ધરતી માથે છાણા અને લાકડાની ખેંચ પડવા લાગી. ઘેર ઘેરથી કરુણ અક્રંદ અને ડુસકા સંભળાય છે. ધરતી માથે મરકી નામના રોગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. અનેક આશાભરી નારીઓના સેંથાના સિંદુર એની ભયંકર જીભના એકજ લબકારે ભુંસાઈ ગયા. વિજોગણ બનેલ નારીઓના કરુણ કલ્પાત મોડી મોડી રાત્રિએ પણ શમતા નથી. કરૂણ હિબકાઓ ખોરડાના છાપરાઓને ચીરીને બહાર આવતા હતા. અને ભયંકર બનેલ કાળી ડીબાંગ રાત્રિ વધુ ભયંકર લાગતી.


        કોઈ ખોરડેથી બે પાંચ બહેનોના લાડકવાયા એકના એક ભાઈને ભરખ્યો તો કોઈ ખોરડેથી એકના એક કંધોતરને ઓહીયા કર્યો. તો કોઈ ખોરડાના આખા કુટુંબને ઢસડીને મહાણ ભેખુ કર્યુ. 

       આ ભયંકર દાનવે ધારીના કાઠી લોમા વાળા નુ આખુ ઘર ભરડામા લીધુ અને થોડીજ ઘડીમા તો લોમાવાળા , તેમના મોટાભાઈ નથુ વાળા અને નથુવાળાના ઘેરથી આઇ આમ સંગાથે આખુ ઘર સરગાપુરની વાટે નીકળી પડ્યુ. 

   આખા ઘરમાંથી લોમા વાળાના મોટાભાઈ નથુવાળાનો છ મહીનાનો દિકરો રાણો વાળો બચ્યો.

       વિરપુર ગામના ઊનડ કાળીયાને ખોરડે કારમા ખબર આવ્યા. આઈ જાલુમાને ખબર સાંભળી ખુબ દુઃખ થયુ. પણ આ તો જોખમાયા. વય નાની પણ સમજણ અને ડહાપણ કોઈ વ્રુધ્ધ કાઠીયાણી જેવા. આંખમાથી આંશુ લુછી કાળજુ કઠણ કર્યુ.

      

" બા"

રડતી અને કલ્પાત કરતી માતાને ખંભે હાથ મુકીને જગદંબા જેવી દિકરી બોલી

    " બા દુઃખ કરો મા. મારા લલાટમા વિધાતા એ આવુ દુઃખ લખ્યુ હશે. ઓસરીમા જાવ મારા બાપુ ને છાના રાખો. ઘેર ઘેર કાણ્યુ મંડાણી છે. જેમા બાલક રાણાની કોણે સંભાળ લીધિ હશે "


     "રંગ છે તને કાઠીયાણી! " પડોશમાથી આવેલા એક વ્રુધ્ધાના મુખ માથી મૌન ઊદગાર નીકળી પડ્યો. જાલૂબાઇના વેણમા આજ અનમોલ તત્વ દેખાયુ. જેના સેથાનુ સિંદુર ભુંસાઈ ગયુ હોય એવી કોઈ સ્ત્રી એ જ પળે બીજાના દુઃખને સંભારી દુઃખ પામે એને માનવ ગણવા કે દેવ!!!

     બે ગાડા તૈયાર કર્યા એક ગાડા મા બે પાંચ સ્ત્રીઓ અને જાલુઆઇ બેઠા બીજા ગાડા મા કુટુમ્બી જનો સાથે આઈના બાપૂ બેઠાછે અને ગાડા નાનીધારી ગામને પંથે ચડ્યા.

       ધારી ગામના નથુવાળાના ખોરડે તેમના કુટુમ્બીજનો અને ગામલોકો એકઠા થયા હતા. ઓરડામાંથી કરૂણ વિલાપ હંભળાતા હતા. વિરપુરથી જાલુઆઇ અને કુટુમ્બી જનો આવ્યા. નથુવાળા , લોમાવાળા અને નથુવાળાના ઘેરથી આઇના અંતિમ સંસ્કાર કર્યા

◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇

"અરે આવ્યો મારો દિકરો. ગીગડો પીર તને હાજો નરવો રાખે મારા બાપ! "

  આઇ જાલુઆઈ બાળક થાણાને ખોળામા લ્ઈ માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા. વાણીમા નર્યુ વાત્સલ્ય વણાઈ શબ્દ રૂપે મુકમાંથી બહાર પડતુ હતુ. બાળકને આઇમા પોતાની કરી જનેતાના દર્શન થતા હોય એમ સામો ઘુઘવાટા કરતો. મ્રુતકની પાછળની તમામ ધાર્મિક વિધીઓ પુરી થઈ. અને થોડા મહીના પછી ઊનડ કાળીયા દિકરીને તેડવા નાનીધારી આવ્યા. 

   "બેટા! વિરપૂરમા તુ મારે આંગણે રહીને રાણાને મોટો કર્ય બાપ! "

   "અરે બાપુ ! આ ખોરડાને સાવ તાળુ નથી મારવુ. આ વંશના આ છોડવાને આ જ આંગણમા ઊછેરી મારે મોટો કરવો છે. આપાગીગા એ ઘણો ગરાહ દિધો છે. આ ખોરડાને તાળા મારી મારે અપશુકન કરવા નથી. હુ અહી મારે ઘેર રહી રાણાને મોટો કરીશ. અહીં ઘેરો એક કુટુમ્બ છે મને દુઃખ કળાવા નહી દે "


બે ચાર દિવસ ધારી રોકાઈ ઊનડ કાળીયો પોતાને ગામ વિરપુર આવ્યા.


     મરકી નામનો દાનવ અનેક માણસોનો કડસુદો કાઢી ધરતીને પેલે પાર પડ્યો. લોકોના જીવ હેઠા બેઠા.

   સમય આગળ વધ્યો. રાણાને આઇ સગી જનેતા ના હેત પાથરી ઊછેર કરી રહ્યા છે. વરશે દહાડે આપા ગીગાની જગ્યામા જઈ આઈ એકાદ બે દિ ની ટેલ કરી આવે તો વળી ચાર છ મહીને જઈ જગ્યામા એકાદ દિવસની રસોઈ આપે. રાણાને આપા ગીગાની સમાધીએ પગે લગાડે અને પ્રાર્થના કરે કે હે ગીગડા પીર મારા રાણાને હેમખેમ રાખજે બાપ. 

    એમ થતા આ ધરતી માથે થી છ ચોમાસા આવીને જતા રહ્યા. અને આ પંથક માથે શિતળાના ભયંકર રોગે ડાસુ ફાડ્યુ. લોકોએ બાધા આખડી લિધી આંકડાના ને લીમડાના તોરણો બાંધ્યા. શીતળાને દેવ ગણી પુજવા પાણીયારે બેસાડી અને નૈવેધ પણ ધર્યા.

    લોકોની બાધા આખડી તોરણો નૈવેધ બધૂ ફગાવી શીતળા તેનો કાળપંજો ઊગામ્યો. અનેક બાળકૉને લોખંડી પંજામા પકડી લીધા. છ વરસનો બાળક રાણો પણ આ પકડમા હતો. આઇ જાલુમા રાત દિ ઊજાગરા કરી દિકરા રાણાનુ જતન કરે છે. આઇ આપા ગીગાને પ્રાર્થના કરતા કે હે આપા ગીગા આ ખોરડાના વંશનો આ છેલ્લો છોડ છે એને ઊગારી લેજે. અનૈ માનતા કરી કે રાણાને નરવાઈ આવી જશે એટલે હુ હાલીને રાણાને પગે લગાડી જઇશ.

   શિતળાના કાળ પંજામા જકડાયેલા ઘણા બાળે જીવ ગુમાવ્યા. ઘણા ભયંકર રોગ સામે ઝજુમ્યા અને સકંજા માથી છટક્યા પણ કોઈએ સુંદરતા તો કોઈએ વાણી ગુમાવી. બાળક રાણો બચી તો ગયો પણ એણે બંને નેત્રો ગુમાવ્યા. આઈને એ ખબર ન હતી. ત્યા રાણો બોલ્યો.


"મા "

" બોલ મારા બાપ"

"મા મને કાઈ દેખાતુ નથી. "

"હે ! શુ બોલ્યો તુ માડી રે!"

આઈને ધ્રાસકો પડ્યો

"હા બા મને બધુય દેખાતુ બંધ થઈ ગયુ છે. મારી આંખો ક્યા હાલી ગઈ હશે. "


આઈ સમજી ગયા રાણાને અંધાપો આવી ગયો છે. ખુબ દુઃખ થયુ અંતરપટ વલોવાઈને એ દુઃખના આંશુ બન્યા. અને આંખોમાથી છલકાઈને બહાર આવ્યા. પણ આતો જોગમાયા હતી. એજ ઘડીએ દુઃખને ખંખેરી નાખ્યુ. કાળજૂ કઠણ કર્યુ અને બોલ્યા.

   "ભલે હાલી ગઈ એ આખ્યુ. સાવ ખરાબ થઈ ગઈ તી. બેટા આપણે સતાધાર જઈને આપાગીગા પાસેથી સારી આખ્યુ લઈ આવશુ "


   એકાદ મહીના પછી આઇ જાલુઆઇએ તેના કાકા વિરપુરથી ગોલણ કાળીયાને હારે લઈ અંધ દિકરા રાણાને તેડી પગપાળા સતાધાર ઊપડ્યા. ગલણ કાળીયાને ચારો સુકાઈ જતો હતો. કામ ઘણુ હતુ. પણ આઈને ના પાડી શકાય નહી એટલે હાલવામા કેડે વધુ ઉતાવળ રાખી.

    બરાબર સંધ્યા ટાણે સતાધારની જગ્યામા આરતીની તૈયારી થઈ રહી છે. એ ટાણે જાલુઆઈ અંધ દિકરા રાણાને લઇ ગોલણ કાળીયા સાથે જગ્યામા આવ્યા. મંદિરે ગયા સમાધિ સામે આસન લગાવ્યુ. પાસે અંધ દિકરા રાણાને બેસાડી આપાગીગાના ચરણમા માથુ નમાવી પગે લગાડયૌ. 

    ગોલણ કાળીયા સમાધીએ પખે લાગી મહંત રામભગત પાસે ગયા ખબર અંતર પુછ્યા. 


     રામભગતે આઈને આદર આપ્યો રામભગત આઈને પહેલેથી જ માન આપતા અને જોગમાયા કહી બોલાવતા. રામભગતે ખબરઅંતર પુછ્યા આઇએ વાત કરી આ રાણાને શિતળા નીકળ્યા એમા આંખો હાલી ગઈ છે. બહુ ચિંતા થઈ પડી છે. દિકરાને મોટોતો કરીશ પણ જીંદગી કેવી જશે. અંધ દિકરાને દિકરી પણ કોણ આપશે.

       " અરે માડી તુતો જોગમાયા છે તારો રાણો અંધ નહી રે બીજાને બે અને તારા રાણાને ચાર આંખ લે બસ માડી. તારા દિકરાને દિવસે અને રાતેય સુજસે માડી. તારે માડી દિકરાને પરણાવવાની ચિંતા છે ને તારો દિકરો એક નહિ બે વાર પરણસે. બસ આઇ હવે કાઇ ઊપાધી? "

     આઈ રામભગતના પગમા પડ્યા. રાણાને પણ પગે લગાડ્યો. બે પાંચ દિવસ રોકાઈ આઇ ધારી આવ્યા. આઈને જીભે વચન સિધ્ધી આવી આઈ જે બોલતા એ થતુ. . ધીમે ધીમે આઈ દેવતાઇ અવતાર લેખાણા.

    વર્ષો વિત્યા રાણાવાળાની ઉંમર બારેક વરસની થઈ છે. રાણા વાળાને દિવસે સુજતુ એટલુ રાતે સુજતુ. રાતે અંધારામા એકલા પહર ચારવા જતા. છેક બાબરીયાવાડ સુધી ઘોડીએ ચડી આંટો પણ મારી આવતા. આઇએ ત્રિસ વિઘા જમિન સતાધાર અર્પણ કરી. 

******************** ચલાલા અને ધારગણી વચ્ચે વાવડી નામનુ ગામ . આ રામવાળાની વાવડી તરીકે ઓલખાય. મોટેભાગે ધાનાણી શાખાના વાળા કાઠી ઓની વસ્તી ધરાવતુ ગામ. ગાયકવાડ સરકાર સામે અહીના રામવાળાનુ બારવટુ જગ પ્રચિદ્ધ છે. આ રામવાળાના મોટાબાપુ ભોકાવાળાના દિકરા એભલવાળા. આ એભલવાળા મારધાડ હતા . લુટફાટ એનો શોખ. આખો પંથક એના નામથી ધ્રુજતો. જાલુઆઇના મોટા બહેન માંસુમાના એ દિકરા. 

 એભલવાળા સંસારચક્રના કોઈ ભયંકર અટપટા આરામા ફસાયેલા કોઈ મહાન અવધુતનો આત્મા હતો. એને જરુર હતી કોઈ મારગ ચિંધનાર ગેબી શક્તિની . એમના બા માંસુમ એ નાનીધારી આવી જાલુઆઇને વાત કરી કે એભલને કુમાર્ગેથી પાછો લાવવો છે. 

     એક વખત જાલુઆઇ ગઢીયાથી તેમના મોટા બહેન વાલબાઈમાને તેડી વાવડી આવ્યા. એભલ વાળા આઇને પગે લાગ્યા. 

આઇએ એભલને કહ્યુ. " બેટા એભલ તારે મારી હારે હરદ્વારની જાતરા એ આવવાનુ છે."

   એક પલતો એ વિચારમા પડી ગયા. પણ આઈને ના પાડી શક્યા નહી

 " ભલે આઇ જે દિવસે જવાનુ હોય તય કેજો "


     કુદરતી ખીલેલા મનોહર પ્રભાતમા લાંબી પથરાયેલ રૂપાની પાટ હોય એવા ગંગાજીના એક ઘાટ માથે જોગમાયા ભયંકર અટવીમા ફસાયેલા એક હીરલા જેવા આત્માને બહાર ખેંચી રહ્યા છે.

"દિકરા એભલ "

"બોલો આઇ મા "

" આ હરદ્વાર એટલે શુ ખબર છે દિકરા? "

 " નય માડી મને કઇ ખબર નથી "

 "હરદ્વાર એટલે ભગવાન શિવનુ આંગણુ . હર એટલે ભગવાન શિવ અને દ્વાર એટલે આંગણુ "

"એમ હશે માડી "

"એભલ આજ આપણે ભગવાન શિવના આંગણે ઊભા છીયે અને પતીત પાવની અને અધરમી નો પણ ઊધ્ધાર કરે છે એવી મા ભાગીરથીનુ પણ આ શરણ છે "

" હા આઇમા હાવ હાચુ છે"

"તો દિકરા એભલ આ ગંગાજીની સાક્ષીએ તારે પ્રતિજ્ઞા કરવાની છે . ચોરી લૂટફાટ બંધ કોઈને મારવૂ પીડવુ કોઈ આત્માને દુખ દેવુ આવા બધા કુકર્મો આજ માતા ભાગીરથીને ચરણે તજી દે દિકરા. "

જાણે ધગધગતા અંગારામાથે પગ પડ્યો હોય એમ એભલવાળા જબકી ગયા. 

"અરે પણ આઇમા......... "

 વેણ અધુરા રહ્યા. નજર આઇની સામેજ હતી. આઈની પહોળી થયેલ આંખો આમીનેષ દ્રષ્ટી એ તાકી રહી છે. એ આંખોમા કોઈ ગેબીભાસ થતો. તેજનો દિવ્ય જળકાટ દેખાયો. એભલવાળાનો આત્મા અંદરથી પ્રજ્વલીત થયો. આંખો બંધ કરી અંતરાત્મા જાણે ઠપકો દે છે કે આજ સુધી આ શુ કર્યુ. ભીતરમાથી કરેલ કરમોના મોજા ઊસળ્યા અને એ મોજાના અશ્રુ બીંદુ બની નેત્રોમાથી વહેવા લાગ્યા. ગંગાજીના ઘાટમાથે નેવાધાર બની આંશુડા નીતરતા હતા. કરેલ કરમોનુ પ્રાયશ્વિત ભર્યુહતુ એ આંશુ બની ભાગીરથીના પવિત્ર જળમા ભળી ગયા.


આંખો ખોલી દોટ દઈને હાથમા ગંગાજલ ધરી ઊગતા ભાણ સામે પ્રતિગ્ના કરી કે આજથી જેમા પાપ હોય એ કામ નય કરૂ. 


   યાત્રા પુરી કરી એભલ વાળા વાવડી આવ્યા. ભગવાન શિવજીના મંદિરે એક પગે ઊભા રહી રોજ માળા કરતા. રોજ ગીતાના પાઠ કરતા. સમય વિત્યો સવંત 2012 ની સાલથી બાર વરસ સુધી મૌન વ્રત ધારણ કર્યુ. અનાજ બંધ કરી ફક્ત કડવા લીમડાનો એક શેર રસ દિવસમા એક વખત પીતા. પાંચ વરસ પાણી પીવાનુ બંદ કરેલ. લોક જીભે ટેવાયેલ એભલવાળા ના નામ માથી ભક્ત શ્રી એભલબાપુ કેવાણા. જીવનમા સાત આંઠ વખત જાતરા કરી છ વાર સપ્તાહ કરી સંવત 2020ના માગશર મહીનામા તા.26.11.1972 ના દિવસે આ મહાન દિવ્ય આત્માએ ધરતી માથેથી છેલ્લી વિદાઇ લીધી. ભક્ત શ્રી એભલબાપુ ને વસમી વિદાઇ આપી સંવત 2028 ના પોષ મહીનાની પુનમ ના દિવસે ફુલ સમાધી આપી.

આઈ શ્રી જાલુઆઈના દિકરા રાણાવાળા યુવાન થયા. નાની ધારી ગામના જીવામકવાણાના બહેન આઇ સોનબાઈ સાથે પરણાવ્યા. બે પાંચ વરસ વિત્યા પણ રાણાવાળાને ઘેર પારણુ બંધાયુ નહી એટલે રાણવાળાના બીજા લગ્ન નાનીધારીના માંજરીયા અટકના કાઠી મુળુભાઇના દિકરી આઇ કમુબાઇ સાથે થયા. તે દિ સતાધારની જગ્યા મહંત રામબાપુના બોલેલ વેણ સાચા પડ્યા. બીજા લગ્ન પછી રાણાવાળાને ઘેર ચાર દિકરાનો જન્મ થયો 

સુખા વાળા

દાના વાળા

ઠારુ વાળા

ભાયા વાળા

હાલ દાના વાળા સિવાય બધા ભાઈઓ હયાત છે. સુખાવાળાની ઉમર આશરે 70 વરસની હશે. ( આ માહીતી 2006 ની છે)

*****************

સુખાવાળાને ઘેર શ્રીમદ ભાગવત સપ્તાહની તડામાર તૈયારી હાલી રહી છે. કથા પ્રારંભને આડે ત્રણ દિવસ બાકી છે ભાયાવાળાના દિકરી ત્રણેક વરસની ઉમરના દુધીબા એકાએક ગંભીર બીમારીમા સપડાયા. એકાદ દિમા રોગે ગંભીર રૂપ ધારણ કર્યુ. થોડીવાર થઈ ત્યા અમાસની કાળીરાતનો ટુકડો હોય એવી અશુભ વાત ઓરડામાથી બહાર આવી. સપ્તાહ હાલ રદ કરી નવુ મુહુર્ત લેવુ એવો નીર્ણય આવ્યો.  

ત્યારે જાલુઆઇ બોલ્યા સપ્તાહ બંદ નથી રાખવી અને ઓરડામા ગયા. આપાગીગાનુ સ્મરણ કર્યુ. ત્રણ વરસની દિકરીમાથે આઇનો હાથ ફર્યો અને દિકરી એ ઘડીએ આંખો ખોલી બેઠી થઈ. આ દુધીબા ને આંબરડી ગામના ધાધલ કુટુંબમા પરણાવ્યા અને હાલ હયાત છે

**************

            આઇ જાલુઆઇ સ્વભાવે શાંત ભક્તિમય જીવન સતાધાર આપાગીગા માથે અપાર શ્રધ્ધા ધરાવતા. એમ કેવાય છે કે એ બોલતા એ વેણ સાચા પડતા. એકસો પંદર વરસની ઉમરે ઈ.સ 1972-73ની સાલમા આઈ આ દુનીયા છોડી સ્વર્ગવાસી થયા. 

   હાલ નાનીધારી ગામમા સુખાભાઈવાળાના ફળીયામા આઈ જાલુમાનુ મંદિર છે. આઈને ત્યા ફુલ સમાધી આપવામા આવી છે. હાલ પણ ઘણી માનતાઓ આવે છે


       || જય શ્રી આઇ જાલુમાં ||


જાગતી જ્યોત. 

લેખક ગભરુભાઇ વરુ.

ટાઈપ. ગૌતમ કોટીલા