આઈ મા, તમે નવો અવતાર દીધો
-----------------------------------------
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ મઢડા નામના પાંસઠ સાંતીના ગામમાં છેવાડે રહેતો અનુસૂચિત જાતિનો ત્રીસેક વરસની વયનો જુવાન પાલાભાઈ ચિંતામાં પડી ગયો છે.એને કંઈ સૂઝતું નથી. ઘડીકમાં તેના નાના ઘરની ઓસરીમાં જાય છે, સમાચાર લે છે અને પાછો ઘરની બહાર આવી ચોતરફ નજર નાખી ભારે નિ: સાસો નાખે છે. શું કરવું - એની કોઈ સૂઝ એને અટાણે પડતી નથી, જાણે કે બધી દિશાઓએ દરવાજા ભીડી દીધા છે!
ખારા નદીના કાંઠે બેઠેલા ભીમનાથ મહાદેવ એને યાદ આવ્યા ને એનું સ્મરણ કરવા માંડ્યો, ' હે ભોળા શંભુ ! તું અમ જેવા નોંધારાનો આધાર છે. વિપત પડે તું માનવીનો હાથ ઝાલે છે એવું સાંભળ્યું છે. તું આજે મારા ઘરવાળાંની ભેર કરજે.તારા સિવાય આવા કપરા કાળમાં કોની મદદ મળે?
ખડકાળ ઘરતી ઉપરનાં આછાંપાતળાં વૃક્ષોમાંથી વાતો વાયુ સુસવાટા મારે છે. વિહંગો વૃક્ષોની ઘટામાં આશરો લઈ રહ્યાં છે. વગડો જાણે સૂનકાર ભાસે છે. જુવાનના ત્યાં તે સમયે રોટલાનુંયે ઠેકાણું પડયું નથી. ચિંતા જંપ કરવા દેતી નથી. પોતાની ઘરવાળીની વેદના સાંભળી જાતી નથી. વિષાદનાં વાદળોએ એના વિચારોને તત્ક્ષણ કુંઠિત કરી દીધા છે. ચોરણો, પહેરણ, માથે પંચિયા જેવો પહેરવેશ ધારણ કરીને એ ઘરના આંગણે ઊભો છે, તેવામાં જ નજીકના ગામથી આવતા વાહનનો અવાજ એના કાને સંભળાયો અને એના જીવમાં જીવ આવ્યો. આશાના મિનારા ચણાવા માંડ્યા. એ મનોમન બોલ્યો,
' ભોળા શંભુએ અમારી વેદના સાંભળી લાગે છે. આયુષ્ય હશે તો વાંધો નહિ આવે.'
ધીમા ડગલાંથી એણે વાહનના અવાજની દિશા પકડી. ગામમાં આવતાં ભોં ભોં કરતું હૉર્ન વાગ્યું અને એક ઓરડા ભણી તે જવા માંડ્યું. એણે જોયું તો એ જીપગાડી હતી. આ ગાડી તો બીજા કોઈની નથી, આઈ સોનલની છે. એણે ગાડી પાછળ દોટ મૂકી, રખેને ગાડી બીજે ક્યાંક જતી રહે તો? એની શ્રદ્ધાનો દીપક હોલવાય જાય ! મોંમાં આવેલ કોળિયો જતો રહે!
તેની સામે પ્રતિભાશાળી આઈ સોનલ આવીને ઊભા હોય તેવું ભાસ્યું. ગાડી આઈના આંગણે થંભી ગઈ અને તેમાંથી લાલ જીમી, લાલ ઓઢણી, રેશમી કાપડું , હાથમાં રૂપાનાં સરલ, છૂટા કેશ ધરાવતાં રૂપરૂપના અંબાર જેવાં આઈ સોનલ ગાડીની બહાર ઊતર્યા. આઈ સોનલ તેમ જ ઓલ્યા જુવાનની આંખો મળી ને આઈ વિસ્ફારીત ચહેરે બોલ્યાં, ' એલા અટાણે આવવાનું કાં થયું? '
આ આઈ સોનલના અંગ માથે તે દિ ' જોબન અવળાસવળા આંટા લઈ ગયેલું. માતાજીનાં સ્મરણો અને ' ઓમ નમ: સિવાય' ના રટણે મઢડા ગામ અહર્નિશ ગાજતું હતું. આઈના પિતા હમીરભાઈ અને રાણબાઈ માનું એ પાંચમાં નંબરનું સંતાન છે. રાણબાઈમાના કૂખે પાંચ દીકરીઓ અવતરી! પાંચમાં ક્રમના દીકરી એટલે આઈ સોનલ. મઢડા ગામના પગ પખાળતી ખારા નદીમાં ચોમાસે વહેતાં ખળ ખળ નીર એના કાંઠે બેઠેલા ભીમનાથ મહાદેવ બંનેએ જાણે એમને હાકલ કરી, ' આઈ તું અહીં આવી જા ' બસ તે દિવસથી એમણે એનું શરણ સ્વિકાર્યું.
ચંચળનાથ નામના સંતે આઈ સોનલનાં તેજ પારખીને તેમને
"ઓમ નમો શિવાય " નો જાપ આપ્યો. ચંચળનાથના આશિષ એમના ઉપર વરસ્યા.
આ કોઈ મંત્ર - તંત્ર કે ભૂત - ભૂપાળાંમાં રચ્યાંપચ્યાં રહેનાર આઈ ન હતા. સમાજમાં વ્યાપી ગયેલ અંધશ્રદ્ધા, કુરૂઢિઓ, વ્યસનોનાં એ પાકાં વિરોધી. એને હાંકી કાઢવા એમણે કમર કસેલી. તેમને ગામેગામનો પ્રવાસ આરંભ્યો. તેમના પિતા, કુટુંબીઓ સહુએ બાળલગ્નના સંસાર માટે આગ્રહ કરેલો,ત્યારે સંભળાવી દીધું, ' મેં તો જગદંબાનો ભેળીયો ઓઢ્યો છે, તેથી બીજા કોઈનું ઓઢણું મારે ઓઢવું નથી. મારી ભેરે તો વીસ ભૂજાળી છે. હું સંસાર બાંધવાની નથી, પરંતુ સંસારી માણસોને યોગ્ય રાહ ચીંધવામાં તેમને મદદ કરવામાં પાછી નહિ પડું . સંસારના માનવીઓને મા જગદંબાનો સંદેશો પહોંચાડીશ.'
ભણતરના નામે મીંડું હતું, પરંતુ એમનામાં રહેલી દિવ્ય ચેતનાએ પ્રકાશ પાથર્યો. કહે છે કે એમના પાડોશમાં રહેલ કુંભારની બહેનપણી પાસેથી અક્ષરગ્નાન મેળવી લીધું.રામાયણ વાંચીને એની ચોપાઈ એમના મધુર કંઠેથી રેલાવા માંડી. હિન્દી બારાખડી, શબ્દોના અર્થઘટનો જાણવા માંડ્યાં. હરદ્વાર તરફ પ્રયાણ કરી સંસ્કૃત ભાષા તેમજ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.ભગવાં વસ્ત્રો ધારણ કરેલાં, પરંતુ તેમના ભક્તોની લાગણી અને માગણીથી તે દૂર કર્યા.
મઢડા નજીક લીંબડીધારે તેમણે નવા યુગનો સંદેશો આપતો માનવકલ્યાણનો ધ્વનિ સંભળાવતો આશ્રમ સ્થાપ્યો. પિતાની જાગીરીનો ભાગ તેમને મળેલો.ઘોડા ઉપર આરૂઢ થઈને ખેતરે જતાં.ખેતીની આવક લોકકલ્યાણ અર્થે વાપરાતાં. માનવીની તૂટતી આશામાં તે પ્રાણ પૂરીને તેમને હિંમત આપતાં. અંદર અંદરના ઝઘડાઓના નિકાલનાં તેમને તેડા આવતાં. હાથ જોડીને લોકો તેમને અરજ કરતાં. આવા કારણે એમની ફોરમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સીમાડા ઓળંગી ગયેલી!
એમની પાસે આવનારને માતાનું વાત્સલ્ય મળતું હોય તેવા ભાવોની અનુભૂતિ થતાં લોકોનાં ટોળાં એમના આંગણે દર્શનાર્થે ઊમટતાં. રાજકારણીઓ પણ આવતા. એક દિવસ ભારતભરના ભૂપતિઓ એમના તેજ અને કીર્તિથી અંજાઈને નમણું કરવા આવેલા હતા.
પ્રારંભમાં જણાવ્યા પ્રમાણેનો પ્રશ્ન આઈ સોનલે તેમના નાનકડા ગામનો ઓલ્યા અનુસૂચિત જાતિના પાલાભાઈ નામના યુવાનને પૂછ્યો અને લીંબુની ફાડ્ય જેવી એમની મોટી મોટી આંખો રૂદિયાનો તાગ મેળવવા એના ચહેરા માથે ચોંટી પડી.
આવેલ યુવાને હાથ જોડીને કહ્યું, ' આઈમાં, મારા આંગણે પધારો.'
'અટાણે? અત્યારે તો લોકોને આરામનું ટાણું થઈ ગયું છે.હું તો કણેરી ગામે ગયેલી, ત્યાંથી આવતાં વિલંબ થયો તેથી અટાણે આવી છું. થોડી વાર રહીને આવું તો ન ચાલે ? '
' ના આઈમાં, મારી ઘરવાળી બીમાર છે, આપ આવીને આશિષ વરસાવો.' પાલાભાઈએ આજીજીભર્યા વેણ ઉચ્ચાર્યા.
આઈની સેવામાં અહર્નિશ ઉત્સાહ બતાવતા તેમના ભત્રીજા દાદભાઈને તેમણે તેમની સાથે લીધા.ગાડી પેલા જુવાનના ઘર તરફ લીધી.
ઘર આવતાં ગાડી થોભાવી. એ માનવીના નાનકડા ઘરમાં આઈ સોનલ ગયાં. ઘરમાં જઈને જોયું તો એમની આંખો પહોળી થઈ ગઈ ! જુવાનજોધ્ધ બાઈને પ્રસૂતિ બાદ બકવાસ શરૂ થઈ ગયેલો. તેન કુટુંબીઓ હાજર હતા. આઈએ જોયું જે પ્રસૂતિ પછી એની કાયાનું કૌવત હણાઈ ગયું છે.હાજર વ્યક્તિઓ- બાઈઓ પાસેથી જરૂરી માહિતી મેળવી.
તાબડતોબ એ બાઈને પોતાની ગાડીમાં બેસાડી દીધી. ગાડી કેશોદ ભણી હંકારી. કેશોદ આવતાંની સાથે સરકારી દવાખાનાના ડૉ. શાહનું જ્યાં રહેઠાણ હતું તેની નજીક ગાડી ઊભી રખાવી.તેવામાં જ ડૉ. શાહનાં ઘરનું બારણું ખખડ્યું.પ્રશ્ન પૂછાયો:
' કોણ એ? '
' એ તો હું, મઢડા ગામેથી આઈ સોનલ પણ આવેલ છે.' ટૂંકમાં જવાબ આપ્યો. આઈ સોનલનું નામ સંભાળતાં તેઓ બહાર આવ્યા અને આઈને બે હાથ જોડીને નમસ્કાર કરતાં બોલ્યા, આઈમા, આપની તબિયત તો બરાબર છે ને?' ડૉક્ટરે પેન્ટ, શર્ટ ધારણ કરેલાં હતાં.
' મારી તબિયત તો સારી છે, પણ મારા ગામના અનુસૂચિત જાતિના પાલાભાઈ નામની વ્યક્તિનાં ઘરવાળાં પ્રસૂતિ બાદ ભારે બકવાસ કરે છે, એમના જીવને નિરાંત નથી. સ્થિતિ ગંભીર હોવાના કારણે મારી સાથે મારા ભત્રીજાને લઈને આવી છું.'
શબ્દો સાંભળતા તો કેશોદના એ દવાખાનામાં તેમના સ્ટાફની ચહલપહલ શરૂ થઈ ગઈ. ડૉક્ટર શાહે જરૂરી દવાઓ મંગાવી. સારવાર શરૂ કરી.થોડો સમય ત્યાં રોકાયા બાદ સારવારના અંતે ઓલી બાઈની તબિયત ઠેકાણે આવી. આઈ સોનલના મોં પર પ્રસન્નતાનાં પુષ્પો ખીલ્યાં હોય એમ એમનો ચહેરો પ્રફુલ્લિત થયો.
ગાડી ગામે પરત આવી, પોતાની ઘરવાળીની તબિયત સારી થયાના સમાચાર સાંભળી અને એને યોગ્ય સ્થિતિમાં આવતી નિરખી પાલાભાઈ ગદગદ કંઠે એટલું જ બોલ્યો, ' આઈમાં, આજે તમે મારાં ઘરવાળાંને જાણે નવો અવતાર દીધો છે.આ ઋણ હું કયા ભવે વાળીશ? '
' જુવાન , હું તારા ગામની છું. મારી કંઈક ફરજ તો ખરી ને? '
સ્મિતવદને તે બોલ્યાં.પાલાભાઈ વિચારતા હતા કે આટલા બધા લોકો તેમને નમન કાં કરે છે! એની આજે મને ખબર્યુ પડી.
સાભાર: ' ધરાના મેઘધનુષ ' શિવદાન ગઢવી
રજૂકર્તા: પ્રતાપભાઈ ચાવડા
0 Comments
Post a Comment