🚩જય ધનબાઈ 🚩

🚩યદુવંશી ક્ષત્રિય આયર🚩

ધનબાઈ આયરાણી જેમણે 12 થી 15 બહારવટીયાઓને મારી નાખા.


👉 ધનબાઈ આયરાણી જેમણે 12 થી 15 બહારવટીયાઓને મારી નાખા.અને એનો બદલો લેવા બહારવટીયાઓનો સરદાર આવતા એને પણ ભડાકે દઈ દીધો આયરાણી એ.પછી બીજા બહારવટિયા એ મુઠીઓ વારી.


     👉 ગોંડલ રાજના તાબામાં આવેલા મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલમાં ગીર પંથકમાં આવેલું આ મોણપરી ગામ વિસાવદર તાલુકામાં આવેલું છે. 

સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા ઘોંસલા ભેગા થવા ઉતાવળા થયા હતા. ગોવાળીયા વગડામાંથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવાના અવાજ સાથે વાછરૂ-પાડરૂના સૂરોએ મોણપરી ગામ ગોકળીયા ગામ જેવું રૂડુ લાગતું. ઘરના ગોખલે ધૂપ-દિપ સાથે વાળુની મીઠી મહેકથી વાતાવરણ મન મોહી રહ્યું હતું. રામજી મંદિરમાં ઝાલર-નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખો દિવસનો થાક ઉતારવા ફળિયામાં ખાટલા ઢાળી નિરાંતે લાંબા થયા હતા. દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોડામાં રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો-ભેંસો દોહી વાછરૂ-પાડરૂને છૂટા મુકતા ચારેબાજુ નયનરમ્ય દ્રશ્યો જોવા મળતા.  

     મોણપરીના પસાયતા મેણંદ આહીરના એંસી વર્ષના જુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા ધાનબાઈમાએ ગોખલે બીરાજેલા કાળિયા ઠાકરને દીવો કરી ગુગળનું ધુપેલીયું ઘર અને ફળિયામાં ચારેબાજુ ફેરવી પાણીયારે મુકી હાથમાં માળા લઈ હરી સ્મરણ કરવા થાંભલીને ટેકે બેઠા, બરાબર એ વખતે ઉતાવળા ડાંભો ભરતા દીકરા મેણંદને ફળિયામાંથી ઠેકડો મારી ઓંસરીમાં પગ મુકતો બીજી ડાંભે ઘરમાં દાખલ થતો જોયો. ઘરની ખીંટીએ લટકતી બંદૂક હાથમાં લઈ કાર્તુસનો હારડો ખંભે લટકાવતો ઉંબરો વળોટી વીજળીવેગે ઘર બહાર નિકળ્યો, તે જોઈ શરીરે કડે-ધડે એંસી વર્ષના ધાનબાઇમા અમંગળના એંધાણ પારખી ગયા. દીકરાનું રૂપ જોઈ ધાનબાઈમાએ પળનોય વિલંબ કર્યા વગર હડફ દેતા ઊભા થઈ મેણંદનું બાવડું ઝાલી ઊભો રાખી દીધો, એ વખતે ગામના પાદરેથી બંદૂકોના ભડાકા સંભળાયા. 

ગોંડલ રાજના પસાયતા તરીકે મેણંદ આહીર મોણપરીમાં ફરજ બજાવતા. મેણંદ આહીરે બહારવટીયાનું ગીસ્ત ગામ ભાંગવા આવતું હોવાનું જાણતા ગોંડલના નજીકના પોલીસ થાણે જાણ કરવાનો સમય ન હોઈ એકલા હાથે લુંટારાઓનો સામનો કરવા તૈયારી કરી. દીકરા મેણંદને પસાયતાનો ધરમ નિભાવતો જોઈ ધાનબાઈમા રાજી થયા. જોકે ઉતાવળમાં મેણંદ બંદૂકમાં કાર્તુસ ભરવાનું ચૂકી ગયો હોય મન શાંત રાખી દુશ્મનનો સામનો કરવાની શીખ આપી. એટલીવારમાં બહારવટીયા હાકલા પડકારા સાથે બંદૂકોના ભડાકા કરતા મોણપરીમાં ધુસતા ભયનું વાતાવરણ સર્જાયું. પોતાની ઉંમરની ઉપાધી કર્યા વગર ધાનબાઈમાએ સમય પારખી ઝડપથી ઘરનો ડેલો બંધ કરી બહારવટીયાઓને ભરી પીવા તૈયારી આદરી.  


મા-દીકરાની વાત સાંભળી રસોડામાં વાળુની તૈયારી કરતા મેણંદ આહીરના પત્ની સોનબાઈ કાથરોટમાં લોટનો પીંડો પાછો મૂકી રસોડા બહાર આવ્યા. સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડણીયા પાસે પડેલ સાંબેલુ હાથમાં લીધું. આહીરાણી સોનબાઈ પતિ મેણંદ આહીર સાથે બહારવટીયાનો સામનો કરવા તૈયાર થયા, ત્યાં ડેલાની સાંકળ ખખડાવી કોઈએ અવાજ કર્યો.


‘ડેલો ખોલો !’ 

મા-દીકરા સાથે સોનબાઈએ બહારવટીયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નકકી કરતા ધાનબાઈમાએ આંખનો ઈશારો કરી ફળિયામાં પડેલ કોશ હાથમાં લીધી. ત્યાં ફરી ડેલાની સાંકળ જોરથી ખખડવાનો અવાજ આવતા ધાનબાઈમા પીઠ પાછળ કોશ છુપાવી ડેલો ખોલવા આગળ વધ્યા, સોનબાઈ સાંબેલુ લઈ ડેલાના કમાડ પાછળ છુપાઈ ગયા. ત્યારે મેણંદ આહીર ઓંસરીમાં ગોઠવેલ બાજરાની ગુણીઓ પાછળ બંદૂક ગોઠવી નિશાન તાક્યું.


તીરાડમાંથી ધાનબાઇમાએ નજર કરતા ત્રણ બુકાનીધારી બહારવટીયા ભરી બંદૂકે ડેલા પર જોરથી દસ્તક મારતા જોયા, ડેલી ખોલવામાં મોડુ થાય તો બાકીનું કટક આવી પહોંચવાનું જોખમ લાગતા ધાનબાઈમાએ શાંતિથી જવાબ આપ્યો.

‘અરે શું ઉતાવળ કરશ ? થોડીક ધીરજ રાખ્ય ભાઈ ડેલો ખોલું છું.’


‘ડોસી, ક્યારૂના બારણાં ખખડાવીયે છીએ શું કાનમાં પુંભડા ભર્યા છે ?’ 


’ના, બાપલીયા આ ઠાકરનો દીવો કરતી ‘તી અટલે વાર લાગી !’ ધાનબાઇમાએ સોનબાઇ અને મેણંદને સાબદા રહેવા ઇશારો કરી ડાબા હાથમાં પકડેલ કોશ પીઠ પાછળ છુપાવી ડેલાનો આગળીયો ઉધાડતા ત્રણેય બહારવટીયાઓ વિઘા એકના ફળિયામાં ઉતાવળે દાખલ થતા આગળ વધ્યા.   


‘ડોસી, તારો દીકરો અને ગોંડલના હથિયાર કયાં છે ? ચૂપચાપ અમારે હવાલે કર્ય; અમે ગામ ભાંગવા આવ્યા છીએ !’ પોતાની તાકાત પર મુસ્તાક બહારવટીયાઓએ પાછુ વળીને જોયા વગર તોછડાઈ સાથે આગળ વધતા ધાનબાઇમાએ હળવેકથી ડેલો બંધ કરી દીધો. 


‘ડોસી ઝટ પસાયતાની બંદૂક અમારે હવાલે કર્ય; નહીંતર આ કાળા મોઢા’ળી સગી નહીં થાય !’ 


‘હા ભાઇ હમણા મેણંદને બોલાવું છું !’ એમ કહેતા એંસી વર્ષના ધાનબાઇમાએ ચીત્તાની જેમ છલાંગ મારી પીઠ પાછળ છુપાવેલ કોશ આગળ ઊભેલા બહારવટીયાની છાતીમાં જોરથી મારી તેને ભોંય ભેગો જડી દીધો. એ જોઈ બીજા બે બહારવટીયા પોતાના હથિયાર સાબદા કરવા જતા સોનબાઈએ આગળ વધેલા બહારવટીયા પર વિફરેલ વાઘણની જેમ તરાપ મારતા અધમણ વજનના સાંબેલાના એક ઘાએ તેની ખોપરીના છોતરા કાઢી નાંખ્યા. પોતાની નજર સામે આંખના પલકારામાં બે સાથીઓ ગુમાવતા ગભરાયેલા ત્રીજા બહારવટીયાએ બંદૂકનું નાળચું ધાનબાઇમા તરફ તાંકતા મેણંદ આહીરે બંદૂકનો ઘોડો દબાવતા ત્રીજો બહારવટીયો પણ પળવારમાં હતો ન હતો થઇ ગયો. 


પસાયતા મેણંદ આહીરનો ડેલો બંધ હોઇ ફળિયામાં શું થયું ? તે બંદૂકોના ભડાકા, હાકલા અને પડકારા વચ્ચે કોઈને કંઈ જાણવા ન મળ્યું. ગામવાસીઓ બહારવટીયાઓની બીકે જ્યાં જગ્યા મળી ત્યાં છુપાવા લાગ્યા, તો કેટલાક ઘરબાર રેઢા મુકી સીમ તરફ ભાગ્યા. મોણપરીમાં નાના મોટા સૌ સલામતી શોધતા હતા, ત્યારે ત્રણ બહારવટીયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નહીં વળાય તેવું ધાનબાઇમાને લાગતા દીકરા મેણંદને માંડ માંડ મનાવી પાછલા બારણેથી મારતે ઘોડે નજીકના ગોંડલના પોલીસ થાણે જાણ કરવા દોડાવ્યો. 

ઘરના ફળિયામાં ત્રણ બહારવટીયાઓના ઢીમ ઢાળી તેની કાર્તૂસના હારડા સાથે બંદૂકો કબજે કરી એક બંદૂક સોનબાઈએ અને બીજી ધાનબાઇમાએ હાથમાં લીધી. મોણપરી લુંટવા આવેલા બહારવટીયા બંદૂકોના ભડાકા સાથે હાકલા પડકારા કરતા વ્યુહ ગોઠવવા ગામના ચોરે ભેગા થયા. બહારવટીયાના સરદારે પસાયતાના ઘેર મોકલેલા સાથીઓને ટોળામાં ન જોતા તે અંગે બીજા ત્રણ માણસો મેણંદ પસાયતાના ઘેર તપાસ કરવા મોકલ્યા.


‘ભગા જઈને જો તો ખરો ? આ સાદુળ અને એના ભેરૂં હજી કેમ પાછા ફર્યા નથી ?’  

’ભલે સરદાર !’ 

‘પહાયતો આયર છે એટલે થોડીક સાવધાની રાખજે !’

‘જી, સરદાર તમે ઉપાધી નૉ કરો હમણાં પહાયતાને બંદૂક ભેળો તમારી પાંહે ઢહડીને રજૂ કરીએ છીએ !’ ભગા નામનો બહારવટીયો બીજા બે સાથીઓ સાથે મેણંદ પસાયતાના ડેલાએ પહોંચ્યો. 

‘ડેલો ખોલો !’ અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી ત્રાડ પાડી. 

’ડેલો ખોલો છો કે તોડી નાંખીએ ?’ 

’ભાઈ ઘરમાં કોઈ જણ ન હોય કવેળાએ ડેલો નૉ ખુલે જણ આવે ત્યારે આવજો !’ ધાનબાઈમાએ અંદરથી જવાબ આપ્યો.

‘ડેલો ખોલો છો કે તોડી અંદર આવીએ ?’ ભગા બહારવટીયાએ ધાનબાઇમાને વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કુદવાનો ઇશારો કર્યો.

’ભાઈ જેવી તમારી મરજી બાકી ડેલો તો નહીં ઉઘડે !’ 

’એમ વાત છે ?’ 

’હા ભાઈ !’ ધાનબાઈમાએ મકકમતાથી જવાબ દીધો. 


આ બાજુ ધાનબાઈમાના ખોરડાની ઉંચી દિવાલ પર બહારવટીયાને ચડેલો જોઈ રણચંડી સોનબાઈએ બંદૂકનું નિશાન તાંકી ભડાકો કરતા તેનો પગ વિંધાતા ફળિયામાં પડયો. ફળિયામાં પડેલા બહારવટીયાને ઢસડી સોનબાઈએ ભેંસના ખીલા સાથે બાંધી દીધો. ભગાએ સાથીને ગોળીએ વિંધાતો જોઈ ડેલા તરફ બંદૂક તાંકતા ઘાનબાઈમાએ વંડીના છજાની આડશ લઈ ભડાકો કરતા ભગાની છાતી વિંધી નાંખી, તે જોઈ ત્રીજો બહારવટીયો મુઠ્ઠીઓ વાળી ભાગ્યો. 


મેણંદ આહીરને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બહારવટીયાએ સરદારને બનેલી ઘટનાની જાણ કરતા તે ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. સરદારે પસાયતાના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો કરતા લુંટારા ગામની શેરીઓ ગજાવતા આગળ વધ્યા. પોતાના સાથીઓના મોતનો બદલો લેવા લુંટારાઓ અધીરા થતા ડેલો તોડવા આગળ વધ્યા. એ જોઈ ધાનબાઈમા અને સોનબાઈ આહીરાણીની બંદૂકો ગર્જી ઊઠતા ચાર-પાંચ બહારવટીયાઓના ઢીમ ઢાળી દેતા ભારે ભાગદોડ મચી ગઈ. 

બહારવટીયાઓ મુંઝાયા હવે શું કરવું ? તેવી વિમાસણમાં મુકાતા ધાનબાઈમા આગળ સાથીઓની લાશ સોંપવાની માંગણી કરી, પરંતુ ધાનબાઈમાએ બંદૂકનો ભડાકો કરી વધુ એક બહારવટીયાની છાતી વિંધી નાંખતા બહારવટીયા સાથીઓની લાશો હાથવગી કરવા મરણીયા થયા. અને આખરી ઉપાય તરીકે મેણંદ પસાયતાના ઘરને આગ લગાવવા બોરડીના ગાળીયા સાથે બાવળના ઠરડા ખોરડા ફરતે ખડકવાનું શરૂ કરતા એંસી વર્ષના ધાનબાઈમાએ ચંદ્રના આછા અજવાળામાં મોભારે ચડી બહારવટીયાના સરદારની છાતીનું નિશાન તાંકતા તેને ઘોડા પરથી હેઠો પાડયો. 


સરદાર મરાતા બહારવટીયાઓ ગભરાયા અને એકબીજાના મોઢા જોવા લાગતા હવે શું કરવું ? એની સમજ ન પડતા મોણપરી લુંટવાનું પડતું મુકી સીમ તરફ ભાગવા લાગ્યા. એ દરમિયાન ગોંડલની પોલીસ કુમક આવી પહોંચતા તેને ચારે બાજુથી ઘેરી પકડી લેતા ગોંડલની જેલ ભેગા કર્યા. 

એંસી વર્ષના ધાનબાઈમાએ રંગ રાખતા તેના પરાક્રમની વાતો સાંભળી આજુબાજુના ગામવાસીઓ વાહ વાહ કરતા મોણપરીમાં ઉમટી પડ્યા. એ વખતે ગોંડલના રાજા તરીકે સર ભગવતસિંહજી રાજ કરતા હોય પોતાની રૈયત ધાનબાઈમાની જ્વાંમર્દીભરી વાતો સાંભળતા ખૂબ રાજી થયા. અને ઉદાર દીલના આ રાજવીની છાતી ગજ ગજ ફુલાતા રાજકીય પરંપરા તોડી તેઓ મારતી મોટરે મોણપરી પહોંચી ગયા. અને ગોંડલનો રાજા હરખાતા હૈયે પોતાની રૈયતને બીરદાવવા ધાનબાઈમાના ઘેર પહોંચ્યા. મોણપરીમાં ગોંડલના ધણીની પધરામણી થતા આખું ગામ હરખને હિલોળે ચડ્યું હતું. 


મહારાજા સર ભગવતસીંહજીએ એક રાજાને શોભે તેવી રીતે ધાનબાઈમા અને તેના પરિવારનું જાહેરમાં સન્માન કરી ચાર સાંતીની જમીન તાંબાના પતરે લખી આપતા આખા મલકમાં ધાનબાઈમા અને તેના પરિવારની વીરતા સાથે કદરદાન રાજા ભગવતસિંહની ખાનદાનીની વાતો થવા લાગી હતી.


જય માતાજી જય મુરલીધર