#_ક્ષત્રિય_શૂરવિર_ચુંડાજી 

ક્ષત્રિય શૂરવિર ચુંડાજી નો ઈતિહાસ



ગોધરા પરગણાના સાઠંબા ગામનું મા'જન બાદશાહ મહમદખાન પાસે રાવખાવા પુગ્યું છે. શાહી કચેરીમાં મા'જનના મોવડીએ વાત માંડી કે.


'બાદશાહ સલામત અમારી માથે કાળો કેર વતે છે તમે ઉગારો તો ઉગરશું નહિતર જન્મભોમકાને જાજા જુહાર કરવા પડશે.' રૈયતની રાવ સાંભળીને બાદશાહના આઠેય અંગમાં આગ ઊઠી ગઇ.

'કોણ છે હાજર' બાદશાહનો સત્તાવાહી અવાજ ઊઠયો ? 'કોણ છે હાજર ?' અમિર ઉમરાવ કુરનીશ બજાવી હાજર થયા 'સાઠંબાના રાજ કરનારાઓને સબક આપો' અમદાવાદના બાદશાહનું કટક ઉપડયું સાઠંબા માથે.


તે દિ' સાઠંબા ઉપર મુલીમીયા મહમદખાં અને અહમદખાં નામના રાજકર્તાઓનો કરડો કોરડો વિઝાતો હતો. રૈયત ઉપર જુલ્મની ઝડીઓ વરસતી હતી. સાઠંબાની રિદ્ધિ સિદ્ધિ રોળાઇ રહી હતી. સાઠંબામા નાગરો અને ખડાયતા વાણીઆની વસ્તી મોખરાની હતી. સાઠ ચોરા વચ્ચે વેપારનો દોરદમામ ચાલતો હતો. ધીકતા ધંધા માટે સાઠબુ લેબામાં ગણાતું હતું.


આવા સાઠંબા ઉપર અમદાવાદનો અમિર કટક લઇને પુગ્યા પણ સાઠંબાના મહમદખાં અને અહમદખાંના બાહુબળ આગળ અમિરની કોઇ કારી ફાવી નહિ. અમદાવાદના અમિરને ધોયેલા મૂળા જેવા પાછા ધકેલ્યા.


બાદશાહ સાઠબાના બનાવથી બેચેન બન્યો. પોતાના તખ્તનુ અપમાન તેના અંગે અંગમાં આગ પ્રગટાવી ગયું. બાદશાહને સાઠંબાના જુલ્મી રાજકર્તાઓ આંખના કણાની જેમ ખૂચવા લાગ્યા ને એક દિવસ બાદશાહ ભરી કચેરીમાં બિડુ ફરવ્યું કે ' સાઠંબાના મહમદખાં અને અહમદખાંને જીતે તેને સાઠંબાનું રાજ્ય બક્ષીસ આપું છું.'


ચાંદીની ત્રાસકમાં બિડુ ફરવા લાગ્યું. એ ત્રાસક ઉપર બાદશાહના બન્ને ડોળા નોંધાઇ રહ્યા. ત્રાસક ફરતી ફરતાં કચેરીમાં છેલ્લે બેઠેલા વિરવણવીરજીના વંશજ ચુડાજીની પાસે આવીને બાઝ પક્ષી જેમ હોલા ઉપર ઝપટ મારીને હોલાને ઝડપી લે એમ બીડુ ઝડપી લીધું. બાદશાહના મોંમાંથી શબ્દો સર્યા 'શાબાશ!'


બાદશાહની પરવાનગી લઇને ચુડાજી ત્રણસો ઘોડે ચડયા. ત્રણસો અસવારોની સમશેરો સૂર્યના કિરણો સાથે સનકારા કરવા લાગી. હાવળ્યુ દેતા ત્રણસો ઘોડાઓના ડાબલાઓ સાઠંબાની સીમમાં ધૂળની ડમરીઓ ચડાવી. મહમદખાંને અહમદખાં વાવડ મળતા જ સાબદા થયા. સાઠંબા ફરતી સિપાઇઓની કિલ્લે બંધી કરીને ચૂડાજીને સામો પડકારો દીધો. સામ સામો ઘોર રણસંગ્રામ ખેલાણો. શૂરવિર ચુંડાજી રાવણની સામે રામ ઝઝૂમતા હો એવો અરધી ઊઠયો. 


એની તલવારના તેજ સામે સાઠંબાના ધરાર ધણી ઝાઝી ઝીક ઝીલી શક્યા નહિ. સાઠંબામા કંઇકના ઢીમ ઢાળી ચુડાજી સાઠંબાને કબજે કરી વિજય વાવટો ફરકાવી મહમદશા પાસે હાજર થયો ને બાદશાહે પોતાના બોલ મુજબ ચુડાજીને સાઠંબાનું રાજ્ય બક્ષીસ કર્યું ચુંડાજીએ સાઠંબામાં રાજગાદી સ્થાપી.

નોંધ: આ બનાવ ઇ.સ.૧૪૯૦મા બન્યો હતો.

ધરતી નો ધબકાર - દોલત ભટ્ટ 

તસ્વીર- પ્રતિકાત્મક છે