આહીર જેઠાઆપા ડેર નું બહારવટું


આહીરના ઉજળા મોતી ભાગ ૧


*લેખક : નટુદાન બારોટ ( જેતપુર )*

આહીર જેઠાઆપા ડેર નું બહારવટું    આહીરના ઉજળા મોતી ભાગ ૧


વાત છે લાઠી પાસેના ચાવંડ ગામની આઝાદી પહેલાનો સમય છે. રાહા ડેરની પાંચમી પેઢીએ આહીરવંશમાં નારણ ડેર થયા. તેમને ત્રણ દીકરા મોટો ધાનો વચેટ જેઠો અને નાનો લખો. એમાં જેઠો ભારે વટીલો અને શુરવીર પાણીયારા માટીમાં ગણના થાય ખોટી હાજી હાજી કરે એ એના સ્વાભાવ ની વિરુદ્ધ છે. ક્યાંય કોઈને અન્યાય થાય તો ઉછીનો કજીયો લેતા અચકાય નહિ. 

    નારણ આહીરનું ખાધે પીધે સુખી ખોરડું છે. મુરલીધર મહારાજ ની કૃપા છે. સાધન સંપન્ન ખોરડું છે. આંગણે આશરાધર્મ પ્રમાણે નું જીવન છે. જેણે જેણે કોઈને કાઈ આપ્યું છે. રહેણી કરણીથી રખાવટ રાખી છે ઉદારતા કેળવી છે શૂરવીરતા રાખી છે. એવા ખોરડાની નોંધ લેવાઈ છે. એવી વાતો અને કથાઓથી ગ્રંથો બને છે. શુ આહીરકુળ ની સંસ્કૃતી છે વડવાઓ નું સમર્પણ છે. આજે પણ એની વાતો સાંભળી ને પોરહ ના પલા છૂટે છે.


  વચેટ જેઠા ડેરને ગામ પરગામ ગામતરા કરવાનો ભારે શોખ છે. જ્ઞાતિ પરજ્ઞાતિ માં સારા માઠા પ્રસંગે હાજરી આપે છે. તે આછેરો કાળો ઘોડો રાખતા. 

   

  ઘોડા ઘોડા ને ઘાટ, અસવારે ઉણો નઈ

  ઘોડા ઉપર અસવાર, (જબરા) આપે ડેર જેઠીયો


    જેઠો ડેર પાંચ હાથ પુરો, લીંબુની ફાડ જેવી આંખો, વીંછીના આંકડા જેવી મુછો, કસાયેલો દેહ બાંધો, કામદેવ ને શરમાવે એવો રૂડો રૂપાળો વીર પુરુષ છે. એક વખત જેઠો આહીર ઘોડા ઉપર સવાર થઈને કોઈક સગાને મળવા નાના રાજકોટ ગામે જાય છે. ત્યાં ગંગદાસ પટેલ કરીને બે પૈસા થઈ ગયા એટલે જોટાળી બંદુક રાખીને વાયડાઈ અને તોછડાઈથી ખંધા ભર્યો રહે છે


     જેઠો આહીર ગામના પાદરમાંથી સડસડાટ નીકળી ગયો એટલે ગંગદાસ પાદરમાં બેઠેલા માણસોને પૂછે છે કે આ ગયો તે કોણ હતો.

   એ.. તો.. ચાવંડ ગામનો જેઠો આહીર છે. હમણાં ફાટી ને ધુવાડે ગયો છે. કોઈ ડોશી ડોસા ડગરા ને હડફેટે લેશે તો જેલ ભેગો થશે. આને આવતો બંધ કરવો જોશે. આમ પણ આહીર વાયડા હોય છે. માથે જાતા બીજા પણ કવેણ કીધા. 

    

     જેઠો ડેર પોતાનું કામકાજ પતાવીને પાછો નીકળે છે એટલે ગંગદાસ પટેલ પાછો જીભ કુહાડે કાપે એવા વેણ બોલે છે. એ વાત બાબર સાંભળે છે.


    જેઠો ડેર પોતાના ઘોડાને પાણી પાવા માટે અવેડે ઉભો રહે છે ત્યાં બાબર આવે છે અને જેઠા આહીર ને ગંગદાસ પટેલે કહ્યું હતું તે મોઢામોઢ સંભળાવી દીધું. આથી જેઠો આહીર એજ ઘડીયે પાછો વળે છે અને પાદરમાં ઘોડા ઉપરથી હેઠો ઉતરે છે.


    ત્યાં બેઠેલા બીજા પટેલો આવો જેઠા ભાઈ આવો જેઠા ભાઈ પણ કોઈ કાંઈ સમજે એ પેલા ગંગદાસ ને બે અડબોથ જડબા પર જડી દીધી. માથુ ભીંતમાં અથડાતા માથુ ફૂટી જાય છે. આથી ગંગદાસ પટેલ અમરેલી સરકારી દવાખાને દાખલ થાય છે અને જેઠા આહીર સામે ફરિયાદ નોંધાવે છે.


   ગંગદાસ સાજો થતા કેશ ચાલે છે અને જેઠા ડેરે મને માર્યો એવી જુબાની આપતા જેઠા ડેરને છ માસની સજા અને પાંચસો રૂપિયાનો દંડ થાય છે. એ વખતે જેઠા આહીરનો ક્રોધ માજા મૂકે છે સામે ઉભેલ ગંગદાસ ને કહે છે ભલે મને સજા થઈ પણ સજા પુરી થતા જ તને મારીને મારી આ મુછ તારા લોહીથી ના પલાળું તો હું આહીર નહીં.


    ગંગદાસ ના મોઢા ઉપરથી નૂર જતું રહ્યું. જીવન ઝેર જેવું લાગવા માંડ્યું. જેઠો આહીર છૂટશે એટલે મને મારી નાખશે. આ જીભે વેર કર્યું છે. ગંગદાસ ની નીંદર હરામ થઈ ગઈ ખાવું પીવું હરામ થઈ ગયુ જેઠા ના નામનો સનેપાત ઊપડી ગયો છે.


   આ બાજુ છ મહિના પુરા થતા જેઠો જેલમાંથી છૂટે છે. ગંગદાસ ને મારવા માટે મનોમંથન કરે છે. થુંકયા પછી ચટાય નહિ. જેલમાં ત્રાપજ ના ગેમલા કોળી નો ભેટો થાય છે. ગેમલો પણ કોઈની સાથે વેર લેવા ઉંચો નિચો થાય છે. આમ જેઠો આહીર હવે ગેમલા કોળી ને સાથે લઈને વેર લેવા માટે પરીયાણ કરે છે. એક વખત ખુન થઈ જાય એટલે જેલની સજા ભોગવવી પડે એટલે મનમાં સંકલ્પ કરે છે બાકી જેવી મુરલીધર ની મરજી.

  સૌ પ્રથમ હીરાણા માં ભવાન ખૂંટ નામના કણબી પટેલ ની વાડીએ ખીસ્સા ખર્ચી માટે લૂંટ કરી ને બહારવટા ની શરૂઆત કરી પછી તરશીંગડા ગામ ભાંગે છે અને ત્યાંથી સીધા જ નાના રાજકોટ રાતના સમયમાં આવે છે.

   

    ગામના પાદર પાસે ગેમલાને ઉભો રાખે છે તું અહીં ભરી બંદૂકે ઘોડા પકડીને ઉભો રહે હું હમણાં જ મારું કામ પતાવીને આવું છું. ગંગદાસ હજુ તો વાળુ કરીને ખાટલે બેઠો બેઠો હોકો પીવે છે ત્યાં તો ડેલીમાં પાટુ મારીને જેઠો આહીર આવે છે અને પડકાર કરે છે


 થા... માટી જેઠા ને સામે જોયો ત્યાં તો ગંગદાસ નું ધોતિયું ઢીલું થઈ ગયું. એ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હવે ક્યારેય આવી ભૂલ નહિ કરું 


   પણ... મેં પ્રતિજ્ઞા લીધી છે એનું શું ? આમ કહી જેઠા આહીરે તલવાર ના એક ઝાટકે ગંગદાસ નું માથુ ધડ થી જુદુ કરી નાખ્યું. તેના લોહીમાં મુછ પલાળી ને પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે કહે છે કે ગામની ઉધઈ ગઈ ધાનનું ધનેડું ગયું


   હવે અમરેલી સરકારે જેઠા ડેર અને ગેમલા કોળી ને ભાગેડુ જાહેર કર્યા અને બાતમી આપનાર અને જીવતા કે મરેલાને પકડવાના પાંચસો રૂપિયા ઇનામ જાહેર કર્યું. પછી પોલીસ ની પક્કડ વધવા લાગી


  આ બાજુ ભીંસ વધતા પાંચાળ ના ઘણા ગામડાં ભાંગે છે. ત્યાં ડુંગરા માં આશરો લ્યે છે. અંગ્રેજ અમલદાર રાત દિવસ આ બેઉ પર હથિયારધારી પોલીસ સાથે ઘોડા દોડાવે છે પણ હાથમાં આવતા નથી. પરંતુ પોલીસ ની આવી ભીંસથી જેઠો ડેર કંટાળી જાય છે. જો પોલીસ ના શરણે જાશું તો રિમાન્ડ લઈ ને ભારે રિબાવશે અને પછી લાંબી જેલ કે ફાંસી ની સજા આપશે. આથી પોલીસ ના હાથમાં જવું નથી


  આથી તેના સાથીદાર ગેમલા કોળી ને કહે છે કે તું જ મને ભડાકે દે આમ ગેમલો કોળી ભડાકો કરતા જેઠો આહીર મીઠી નીંદરા માં પોઢી જાય છે.


  નોંધ : બીજી એક વાયકા એવી પણ છે કે જેઠા આહીર અને ગેમલા કોળી ને ભાગ બટાઈ માં વાંધો પડતા રાતે ના સમયમાં ગેમલો દગા થી જેઠા આહીર ને ગોળી મારી દીયે છે 

નોંધ : આ વાત મને વિસા કાળા ડેર (રાયડી) પ્રાંચીવાળા પાસેથી મળેલ છે 

મુદા ધાના ભીમસી ચંડેરા એ આપેલ છે સાભાર 


જય હો આહીર જેઠા આપા ડેર 

જય મુરલીધર